- ઠગ ટોળકીએ કસ્ટમર કેરના નામે ફોન કરી વિદ્યાર્થી પાસે એપ ડાઉનલોડ કરાવી પાંચ ટ્રાન્જેક્શન મારફતે 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રેલવેની ટિકિટ કેન્સલ કરાવવા જતા ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના ચક્કરમાં ફસાઈ રૂપિયા 1 લાખ ગુમાવ્યા હતા.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા રાગ ડુપ્લેક્સમાં રહેતા વિદ્યાર્થી તપન વૈધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારે મિત્ર સાથે મનાલી ફરવા જવું હોવાથી એપ્રિલમાં ઈક્સિગો એપ મારફતે ટિકિટ બુક કરાવી હતી. પરંતુ ત્યારબાદ પ્લાન કેન્સલ થતા રિફંડ માટે ઓનલાઇન નંબર મેળવી કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન કસ્ટમર કેર પરથી મારી પાસે એપીકે નામની એક એપ ડાઉનલોડ કરાવી હતી. પરંતુ આ એપની ફાઈલ બ્લેન્ક હતી અને ઠગોએ મારી પાસે બીજી પણ એક એપ ડાઉનલોડ કરાવી હતી. થોડીવારમાં મારા એકાઉન્ટમાં રૂ.900 જમા કરાવવામાં આવ્યા હતા.
આ વખતે ઠગ ટોળકીના સાગરીતે મને ફોન કરી રૂપિયા જમા થયા છે કે કેમ તે જાણવાના નામે વાત કરી હતી. જે દરમિયાન મને મેસેજો મળતા હતા. તપાસ કરતાં પાંચ ટ્રાન્જેક્શન મારફતે ઠગોએ મારા એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું જણાઈ આવ્યું હતું. સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ કરી છે.