- વડોદરા પાલિકા દ્વારા સાઈકલ ટ્રેક માટે 1.88 કરોડ ખર્ચી શકાતા હોય તો લોકોની જરૂરી સુવિધા માટે કેમ ફંડ ફાળવાતું નથી..?!!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ૧.૮૮ કરોડના ખર્ચે સાઈકલ ટ્રેક બનાવ્યો છે, પરંતુ આ સાઈકલ ટ્રેકનો કોઈ અર્થ સર્યો નથી. આ ટ્રેક સાઈકલ ચલાવવા માટે ખુલ્લો નથી, અહીં પાર્કિંગ સહિતના દબાણોનો જમેલો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક રહીશે આરટીઆઈ એક્ટ હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ટ્રેક કઈ ગ્રાન્ટમાંથી બનાવ્યો, રોડ કાર્પેટિંગ, રોડ પર ટ્રેકના પટ્ટા મારવા, સાઈનેજીસ મૂકવા વગેરે માટે કેટલો ખર્ચ કર્યો તેની વિગતો માગી છે. આ રહીશના કહેવા મુજબ કોર્પોરેશને આ બિનજરૂરી અને ખોટો ખર્ચ કર્યો છે. આટલા બધા રૂપિયા ખરેખર તો આ વિસ્તારના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત અને સમસ્યાના નિરાકરણ માટે ખર્ચવાની જરૂર હતી. આ વિસ્તારમાં વર્ષોથી પાણીની અપૂરતા પ્રેશરની સમસ્યા છે. ઓછા પ્રેશરથી પાણી મળતા લોકો હેરાન થાય છે. છેલ્લા બે વર્ષથી બજેટ નથી, તેવું બહાનું કાઢવામાં આવે છે.
૨૦૨૦માં મહાવીર હોલથી ઉમા ચાર રસ્તાથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ સુધી (મહાવીર હોલથી ઝવેરનગર સાંઈગણેશ કોમ્પ્લેક્સ સુધી નાખેલી) અધૂરી લાઈનનું કામ મોટા બજેટનું હોવાનું જણાવીને કરાતું નથી. ડ્રેનેજની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી કે પ્રભુનગર પાસે પંપ બંધ કરીને ઉમા ચાર રસ્તા સુધી ડ્રેનેજ લાઈન રોડ કાર્પેટ કરતા પહેલા નાખવી જોઈએ. આ કામગીરી પણ ૯૦ લાખના ખર્ચે કરવી પડે તેમ હોવાથી બજેટનું બહાનું કાઢયું હતું. બજેટના લીધે કામ ન થયું અને લોકો હેરાનગતિ ભોગવે છે. જો સાઈકલ ટ્રેક માટે ૧.૮૮ કરોડ બિનજરૂરી ખર્ચી શકાતા હોય તો પછી લોકોની જરૂરી સુવિધા માટે કેમ ફંડ ફાળવ્યું નથી, તેવો સવાલ કર્યો હતો.