વડોદરામાં પત્નીની તબિયત લથડતા દંપતી હોસ્પિટલમાં હોય શહેરના ન્યુ સમા રોડ ખાતેની અણુશક્તિ નગર સોસાયટીમાં તેમના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલ અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાંથી 1.56 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલી અણુશક્તિ નગર સોસાયટીમાં રહેતા મોહનલાલ રામપ્રસાદ ગુપ્તા (ઉ.વ.75) હેવી વોટર પ્લાન્ટમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે. તેમણે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 25 માર્ચના રોજ મારી પત્નીની તબિયત બગડતા સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ દરમિયાન ગઈકાલે તા.27 માર્ચના રોજ સવારના આશરે 7:30 વાગ્યાની આસપાસ અમારા ઘરે કામ કરવા આવતી મહિલાએ મારી પત્નીના મોબાઈલ પર ફોન કર્યો હતો. જેમાં તેણે અમારું ઘર ખૂલ્લું હોવાનું જણાવ્યું હતું અને ઘરની અંદર ચોરી થઈ હોવાનું લાગે છે, તેમ જણાવતા હું તુરંત જ મારા ઘરે પહોંચી ગયો હતો.
ઘરે જઈને જોતા મકાનના લાકડાના દરવાજાનું તાળું બહાર પડેલું હતું અને દરવાજાનો નકુચો તૂટેલો હતો. મકાનમાં પ્રવેશ કરી જોતા બેડરૂમમાં રાખેલા તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર થઈ ગયેલો હતો. તપાસ કરતા ઘરમાં રાખેલા 1,56,000ના સોનાના દાગીના જોવા મળ્યા નહોતા. જેથી મેં સમા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.