- મંથલી રીટર્ન ગુગલમાં સર્ચ કરતા ક્રેડિટબુલ્સ ઇન્ડિયાની વેબસાઇટ આવી હતી
શહેરના સુભાનપુરા ઈલોરા પાર્ક વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીના સોફટવેર મેનેજર તેમના પરિવારના સભ્યો, સગા સંબંધીઓ તથા મિત્રો 20 લોકોએ ક્રેડિટ બુલ્સ ઇન્ડિયા કંપનીમાં સારા વળતરની લાલચે રૂપિયા 1.46 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ કંપનીએ શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે દોઢથી 2 ટકા લેખે વળતર નિયમિત ચૂકવ્યું હતું. ત્યારબાદ વળતર આપવાનું બંધ કરવા સાથે રોકાણ કરેલા રૂપિયા પણ પરત નહીં કરી 3 ભેજાબાજોએ ઠગાઈ આચરી છે, જેથી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના સુભાનપુરા ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી શ્રીવીલા સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં સોફ્ટવેર મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાને ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સોફ્ટવેર મેનેજર તરીકે નોકરી છું. મારે શેર બજાર તથા અન્ય સંસ્થામાં નાણાનું રોકાણ કરવાનું હોવાથી મે વર્ષ 2021માં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મંથલી રીટર્ન ગુગલમાં સર્ચ કરતા ક્રેડિટબુલ્સ ઇન્ડિયાની વેબસાઇટ આવી હતી.
વેબસાઈટની લિંક ઉપર મે ક્લિક કરી તેમાં મારી માહિતી ભરતા આ કંપનીના ડાયરેક્ટર ધવલ સોવાણી તથા તેમના પાટર્નર તરીકે ફરઝાના ઈરફાન અહેમંદ શેખ તથા પંકજ પ્રવીણભાઈ વડગામા (રહે. જામનગર) રીજનલ હેડ તરીકે ફરજ બજાવતા હતા. મને કંપની રોકાણ કરવા માટે સારી લાગતા તેના ત્રણ પ્લાન ગોલ્ડ, સિલ્વર, પ્લેટીનિયમ વિશે ઓનલાઈન માહિતી મેળવી હતી. મે એક વર્ષના પિરીયડ માટે રોકાણ જોતા તેમાં રૂ. 1 લાખના રોકાણ સામે માસિક 1.57 વળતર આપતા હોય કંપની પર વિશ્વાસ આવી ગયો હતો.
મેં સૌપ્રથમ મારા પત્નીના નામથી એક લાખનું રોકાણ કરતા તેના પર અમને આ કંપની તરફથી માસિક 1500 રૂપિયા આપતા મને એમના પર મને વધુ વિશ્વાસ આવી ગયો હતો અને મારા, મારા પત્ની તથા માતાના નામ ઉપર 32.50 લાખનું રોકાણ કર્યું હતું. જેના પર તેઓ 2 ટકા વળતર આપવા જણાવ્યું હતું પરંતુ, આ ક્રેડિટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપની તરફથી અમને ફેબ્રુઆરી 2024થી માસિક વળતર ચુકવવાનુ બંધ કરી દીધુ છે. જેથી તેઓના ઈ-મેઈલ આઈ.ડી તથા ફોન પર ફોન કરતા આ કેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપની તરફથી અમને સેબીની ઇન્ક્વાયરી શરૂ હોવાથી તમને ફેબ્રુઆરી-2024ના માસનુ વળતર આપી શકીએ તેમ નથી તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ આ ક્રેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપનીની ઓફિસ જામનગર ખાતે જઈ તપાસ કરતા ક્રેડીટ બુલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપનીની ઓફીસ ખાતે જઈ યશ સોલાણી તથા પંકજને મે 32.50 લાખના રોકાણના વળતર બાબતે કહેતા બે અઠવાડીયામાં પરત આપી દઇશું તેમ જણાવ્યું હતું પરંતુ, આજ દિન સુધી વળતર કે અમારા ભરેલા રૂપિયા પરત ચૂકવ્યા નથી. આ ઉપરાંત મારા સગા સંબંધી તથા મિત્રએ પણ આ ક્રેડીટ બલ્સ ઈન્ડીયા ડોટ કોમ કંપનીમાં રુ. 1.14 કરોડ અલગ-અલગ ટર્મમાં રોકાણ કર્યા હતા, પરંતુ તેમને પણ વળતર તથા રૂપિયા પરત નહિ કરી અમારી સાથે ક્રેડિટબુલ્સ ઇન્ડિયા કંપનીના નામે ધવલ સોલાણી, ફરજાના શેખ અને પંકજ વડગામાએ રુ. 1.46 કરોડની છેતરપિંડી આચરી છે. જેથી મેં તેમની સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.