- નાણાં પરત માગતા ભેજાબાજે પૈસા નહી મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશો તો જીવ ગુમાવવાનો વારો આવશે તેવી ધમકી આપી
વડોદરાના ભેજાબાજે આણંદના આખા પરિવાર અને વડોદરાના બે લોકોને વિદેશ મોકલવાના નામે 1.34 કરોડની છેતરપિંડી આચરી છે. આ મામલે વડોદરાના યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા જીગ્નેશ સુર્યકાંત પટેલ (ઉ.46) એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 23 માર્ચના રોજ મેં ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આવી હતી અને જેમાં જણાવ્યું હતુ કે, અમેરિકામાં રહેતા પટેલ ફેમિલીને રસોઈ કામ તથા નાનુ બાળક સાચવવા માટે બહેન જોઇએ છે. મારા પત્ની પ્રતિમાને અમેરિકા ખાતે નોકરી માટે જવાનુ હતું, જેથી મે જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્રભાઈ પટેલે ફોન ઉપાડયો હતો અને તેઓને કહ્યું હતું કે, ગેંડા સર્કલ પાસે આવેલા નોટસ આઈ.ટી પાર્ક સારાભાઈ કેમ્પસ સ્થિત મારી ઓફિસે મળવા આવો. જેથી હું અને મારી પત્ની તેમની ઓફિસે મળવા ગયા હતા અને મારી પત્નીને અમેરિકા મોકલવાની વાત કરી હતી. જ્યાં હેમલ ઉર્ફે મેહુલ પટેલે મારી પત્નીને અમેરિકા મોકલવા માટે 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેથી મેં મારી પત્નીના જરૂરી ડોક્યુમેન્ટ તેમને આપ્યા હતા અને હેમલ ઉર્ફે મેહુલ પટેલે મારી પત્નીને અમેરિકા મોકલવા અંગેની પ્રોસેસ શરૂ કરી હતી અને મેં તેમને ટુકડે ટુકડે 7 લાખ રૂપિયા આપ્યા હતા. આ હેમલ ઉર્ફે મેહુલ પટેલે મારી પત્નીને દોઢ મહિનામાં અમેરિકા મોકલી આપશે તેવો ભરોસો આપ્યો હતો. જેથી અમે દોઢ મહિનો રાહ જોઈ, તેમ છતા હેમલ ઉર્ફે મેહુલ પટેલે મારી પત્નીને અમેરીકા ખાતે નોકરી માટે મોકલી નહોતી, કે કોઈ પ્રોસેસ કરી પણ નહોતી અને ગલ્લા તલ્લા કરતો હતો. ત્યારબાદ તેણે મને દોઢ લાખ રૂપિયાનો પે ઓર્ડર આપ્યો હતો. પરંતુ તપાસ કરતાં તે પે ઓર્ડર ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેણે ફરીથી મને દોઢ લાખ રૂપિયાનો પે ઓર્ડર આપ્યો હતો. મે તેને બાકીના 5.50 લાખ રૂપિયા માટે ફોન કરતા તેણે મારો ફોન ફોરવર્ડ કરી દીધો હતો, મેં તેને અવાર નવાર ફોન કરતા તેઓ ફોન ઉપર મને ગમે તેવી બિભત્સ ગાળો આપી અને પૈસા નહી મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુમાવવાનો વારો આવશે તેવી મને ધમકી આપી મારા પત્નીને અમેરિકા ખાતે ન મોકલી મને 5.50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડી મારી સાથે છેતરપિંડી કરી છે.
તેમજ મારી સિવાય અન્ય એક ગ્રાહક નામે સવિતાબેન રમેશભાઈ પટેલ (રહે આણંદ)ના પરિવારના સભ્યોને અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી 1.25 કરોડ જેટલી રકમ પડાવી લઈ તેઓની સાથે પણ છેતરપિંડી કરી છે. તેમજ આ સિવાય અન્ય ગ્રાહક નામે સંધ્યા સમીર વૈજાપુરકર (રહે. વડોદરા)ને પણ અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી 4.34 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. જેથી મે આરોપી હેમલ ઉર્ફે મેહુલ પટેલ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.