- કર્મચારીની ફરિયાદના આધારે ડુપ્લિકેટ માલ વેચનાર વેપારીની અટકાયત
શહેરના હરણી રોડ પર ગદા સર્કલ પાસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની દુકાનમાં કંપનીના માણસ સહિત પોલીસે રેડ કરી હતી. દુકાનમાંથી જીન્સ પેન્ટ અને શર્ટ પેન્ટ મળી કુલ રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. કર્મચારીની ફરિયાદના આધારે ડુપ્લિકેટ માલ વેચનાર વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના હરણી સમા લીંક રોડ પર આવેલા ધ સ્ટેટસ મધુવનમાં રહેતા જંયતીલાલ પ્રેમજીભાઈ પટેલ હરણી ગદા સર્કલ સામે અલ્ટ્રા ફેશન (ધ ફેશન પોઇન્ટ) નામની દુકાન ચલાવે છે. જેમાં MUFTIના નામની કોપી કરી અથવા ડુપ્લિકેટ જીન્સ પેન્ટ તથા જીન્સ શોર્ટ પેન્ટનું વેચાણ કરે છે. જેની માહિતી કંપનીને મળી હતી. જેના આધારે 20 સપ્ટેમ્બરના રોજ કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટના માણસો હરણી પોલીસને સાથે રાખી ગદા સર્કલ પાસે અવેલી કપડાની દુકાનમાં રેડ કરી બ્રાન્ડની ડુપ્લિકેટ અથવા કોપી કરેલા જીન્સ પેન્ટ નંગ- 58 જેના 78 હજાર તથા શોર્ટ પેન્ટ નંગ 73 જેના રૂપિયા 51 હજાર મળી કુલ 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કર્મચારીની ફરિયાદના આધારે હરણી પોલીસે દુકાનના સંચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.