શહેરના સુભાનપુરા વિસ્તારમાં સી એચ વિદ્યાલય પાસે આવેલ સૌરભ ટેનામેન્ટમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડ રકમ સહિત રૂ. 1.14 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયાનું સપાટી પર આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે, પત્નીની તબિયત લથડતા વૃદ્ધ દંપતિ હોસ્પિટલ હોય તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારના સૌરભ ટેનામેન્ટમાં રહેતા 78 વર્ષીય સતિષભાઈ ઉપાધ્યાય ખાનગી કંપનીમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે. 10 ઓગસ્ટના રોજ તેઓની પત્નીની તબિયત લથડતા મકાનને લોક કરી સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતા. 13 ઓગસ્ટના રોજ તેઓ હોસ્પિટલથી ઘરે પહોંચતા ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલ હોય સામાન વેર વિખેર જણાવ્યો હતો. તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના સિક્કા તથા રોકડા રૂપિયા 40 હજાર સહિત કુલ રૂપિયા 1.14 લાખની મત્તા ચોરી ફરાર થયાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.